news-details
Gujarat

કોરોનાની સાંકળ તોડવા કોરોના ટેસ્ટ કરાવી સ્વયંને તથા અન્યોને સુરક્ષીત કરીએ-I.M.A. અધ્યક્ષ ડો.દર્શન શુકલ

કોરોનાની સાંકળ તોડવા દરેક નાગરિક કોરોના ટેસ્ટ કરાવી કોરોના સામેની લડાઇમાં પોતાનું યોગદાન આપે તે હાલના સમયે ખૂબ જરૂરી છે. કોરોનાનું નિદાન થતા વ્યક્તિ હોમ આઈસોલેશન થઈ પોતાના બાળકો, વડીલો, સ્નેહીઓ તથા મિત્ર વર્તુળને કોરોના સંક્રમણથી સુરક્ષીત રાખી શકે છે.ઘરમાં જો 5 વર્ષથી નાની ઉંમરના બાળકો,60 વર્ષથી મોટી ઉંમરના વડીલો અથવા તો કોઈ સગર્ભા સ્ત્રી હોય ત્યારે બહાર જતા વ્યક્તિએ કોરોના તપાસ કરાવવી અત્યંત જરૂરી બની રહે છે.આ શબ્દો છે ભાવનગર જિલ્લાના I.M.A. અધ્યક્ષ તથા બજરંગદાસ બાપા આરોગ્ય ધામના ક્રિટિકલ કેર નિષ્ણાત ડો.દર્શન શુકલના.

ડો.શુક્લ જણાવે છે કે રેપીડ એન્ટીજન ટેસ્ટમાં પોઝીટીવ આવેલ દર્દીના ઘરની બહાર પતરા લગાવવામાં આવતા નથી કે તેનું નામ પણ જાહેર કરાવામાં આવતું નથી. આમ તે વ્યક્તિની ઓળખાણ ગુપ્ત રહે છે અને તે હોમ આઈસોલેશનમાં રહીને જ કોરોનામુક્ત થઈ શકે છે. જો સૌ કોરોના ટેસ્ટ કરાવે તો આવનારા વર્ષ ૨૦૨૧માં જ કોરોના સંક્રમણને અટકાવવામાં આપણે ચોક્કસ સફળ થઈશું અને આવનાર તહેવારો ફરી એવા જ ઉમંગ અને ઉલ્લાસથી ઉજવી શકીશું.

તમે કરાવેલ ટેસ્ટ માત્ર તપાસ માટે જ નહીં પરંતુ પરિવારના બાળકો તથા વડીલો માટે પણ એટલો જ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે ત્યારે આ અધિક માસમાં ભાવનગરવાસીઓ અધિક ટેસ્ટ કરાવે અને કોરોનામુક્ત ભાવનગર બનાવવા સહયોગી બને તેવી સૌને અપીલ કરી હતી.