news-details
Gandhinagar

કેન્દ્ર સરકારની ટીમ ગુજરાત કેમ આવી રહી છે?

ગુજરાત સહિત ભારતનાં કેટલાંક રાજ્યોમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, એ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા વધુ એક રણનીતિ ઘડી કાઢવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા 20 કેન્દ્રીય જાહેર સ્વાસ્થ્ય ટીમની રચના કરવામાં આવી છે.

વડોદરા, અમદાવાદ અને સુરત આ ત્રણ જિલ્લાઓમાં કેન્દ્રીય ટીમોને મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ જિલ્લાઓની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતમાં સૌથી વિકટ સ્થિતિ અમદાવાદ જિલ્લામાં છે.

તારીખ ત્રીજી મેના રોજ સાંજે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર જો નજર કરીએ તો ગુજરાતના 5,428 કેસો પૈકી 3817 કેસ અમદાવાદમાં નોંધાયા છે.

આ ઉપરાંત સુરત અને વડોદરામાં અનુક્રમે 686 અને 350 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં અત્યાર સુધીમા કોરોના વાઇરસથી સંક્રમિત 208 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 533 લોકો સારવાર બાદ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે.

સુરતમાં 30 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે વડોદરામાં 25 લોકોએ જીવ ગુમાવ્યા છે.

24 માર્ચે જ્યારે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે માત્ર છ જિલ્લાઓ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને કચ્છમાં જ કોરોના સંક્રમણના કેસ હતા.

હવે 28 જિલ્લાઓમાં કોરોના વાઇરસનું સંક્રમણ પહોંચી ચૂક્યું છે. જોકે સૌથી ચિંતાજનક સ્થિતિ અમદાવાદમાં છે.