news-details
Gandhinagar

વિનાશ પામનારી સર્વ વસ્તુઓ વચ્ચે જે અ-વિનાશી છે ...

વિનાશ પામનારી સર્વ વસ્તુઓ વચ્ચે જે અ-વિનાશી છે  

ઇશા-કુન્દનિકા

તે ઈશ્વર છે.

ઈશ્વર  - એક અદીઠ તત્ત્વ.

એને થોડો કોઈએ જોયો હોય?

એ થોડો ઇન્દ્રિયગમ્ય છે?

અને કોઈ પૂછે : ઈશ્વરમાં માનો છો?

વારુ, આપણે વૃક્ષની પાસે જઈને પૂછીએ કે ભાઈ, બંધુ — તું છે? વૃક્ષ ડાળીઓ અને પર્ણો હલાવીને કહેશે — હા, છું. જોઈ લો, ખાતરી કરી લો તમારાં નેત્રો વડે.

વૃક્ષના હોવાપણામાં માનવું પડે.પણ ચાંદની?

ચાંદનીને તો જોઈ શકાતી નથી. એનાથી અજવાળાયેલી વસ્તુઓ જોઈ શકાય છે, પણ સ્વયં ચાંદનીને એક સ્વતંત્ર વસ્તુ તરીકે જોઈ શકાતી નથી. એનાથી વસ્તુઓ દૃશ્યમાન થાય છે, પણ એ પોતે દૃશ્યમાન નથી. તો 'એ છે', એમ શી રીતે કહી શકાય?

એની પ્રતીતિ આપે છે એના પ્રકાશમાં ચમકી ઊઠતી વસ્તુઓ — પથ્થર, પાણી, પાંદડાં — જેના પર એ પથરાય તે સઘળું.

એવું જ તો ઈશ્વરનું છે.

એ અવ્યક્ત છે, અને છતાં વ્યક્ત છે, હજારો આકારોમાં, રૂપોમાં, સર્જનમાં, સૌન્દર્યમાં. અખિલ બ્રહ્માંડમાં જે 'એક' છે, તેણે 'વિવિધ રચના કરી' - નરસિંહ મહેતાએ નથી કહ્યું?

જેકેરેન્ડાનાં પાન ઝીણાં-અતિ ઝીણાં, અને સાગનાં પાન! કેળનાં ને હેલિકોનિયાનાં!

ફૂલનું યે એવું જ તો!

શીમળાનાં ફૂલ જાણે આખેઆખાં ખુલ્લાં થઈ આપણી સામે જોઈ રહે. ઘાસનાં ફૂલ સાવ નાનાં, શરમાળ ને સંતાઈને રહે, શોધવાં પડે એમને. અને એવડાં ઝીણાં ફૂલો પણ રંગોની કેટલી શોભા!

વળી કોઈ વૃક્ષને ફૂલ અને ફળ બન્ને, કોઈને માત્ર ફૂલ અને કોઈને પાન સિવાય કશું નહીં. કોઈની ડાળીઓ પૃથ્વી ભણી નમેલી, કોઈ જમીનથી સમાંતર, કોઈ આકાશ ભણી પ્રણામની મુદ્રામાં.